Sunday, January 1, 2023

NSS Annual Camp 2022- Samaldas Arts College, Bhavnagar


તા. ૦૮-૦૧-૨૦૨૨

               2 જાન્યુઆરી, 2022 ના રોજ શામળદાસ આર્ટ્સ કોલેજના NSS યુનિટ દ્વારા આયોજિત વાર્ષિક શિબિરની શરૂઆત ગ્રામ દક્ષિણામૂર્તિ લોકશાળા, મણાર મુકામે થઈ હતી. કોલેજના ૧૦૦ ચુનીંદા વિદ્યાર્થીઓ સ્વયંસેવક તરીકે આ કેમ્પમાં જોડાયા હતા. આ સાત દિવસીય વાર્ષિક શિબિર નું મુખ્ય સ્થળ જ અત્યંત ઉત્કૃષ્ટ હતું, કે જે નાનપણથી જ વિદ્યાર્થીઓને સ્વાવલંબન ના પાઠ શીખવે છે અને ગ્રામ્ય જીવનને ઉજાગર કરવામાં મહત્વનું યોગદાન આપે છે.

                ઉદઘાટન સમારોહ થી લઈને સમાપન સમારોહ સુધી દરરોજના બૌદ્ધિક સત્રમાં અમે ઘણા બધા વક્તાઓને માણ્યા. જેમાં જાણીતા શિક્ષણવિદ્ ડૉ. મનહરભાઈ ઠાકરે "ગ્રામોદ્ધાર વિના રાષ્ટ્રોધ્ધર નહી" એવા નવા પણ પુરાના વિષયને ધ્યાનમાં લઇ ગ્રામ અભિમુખતા માટે માર્મિક ટકોર કરી. ડૉ.અરુણભાઈ દવેએ તાજેતરમાં ધડાયેલ શિક્ષણ નીતિમાં લોક શિક્ષણના સ્થાન વિશે ની વાત "કમ્પ્યુટર અને કોદાળી ના સમન્વયથી કેળવણી"ના દ્રષ્ટાંત સાથે રજુ કરી. ગ્રામદક્ષિણામૂર્તિ લોકશાળામાં દાદા તરીકે ઓળખાતા સંચાલક શ્રી સુરસંગભાઈ ચૌહાણે નવી નવી રમતો ના માધ્યમથી એકતા અને અખંડિતતાના પાઠ શીખવ્યા. અહીંના જ શિક્ષિકાબહેન શ્રી કંચનબેને "વિચારો વિશ્વની માટે અને આચરો ગામના ગોંદરે" વિષય દ્વારા અમારામાં ગ્રામવિકાસની જ્યોત જગાડી. આ ઉપરાંત કોલેજના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ, આજુબાજુના ગામના અગ્રણીઓ તેમજ અમારી જ કોલેજના અધ્યાપકો સમયાંતરે અમારા ઉત્સાહમાં વધારો કરવા અમારી મુલાકાતે આવ્યા અને પોતાના વિચારો રજુ કર્યા.

                  આ સાત દિવસ દરમ્યાન અમે નરાના બુલંદ અવાજ સાથે સોસિયા અને અલંગ ગામ માં પ્રભાતફેરી, ગ્રામ સફાઈ જેવા કાર્યો કર્યા. ઘરે ઘરે જઈ લોકોની મુલાકાત લીધી લોકોની સમસ્યાઓ, રહેણીકરણી અને એમના ગ્રામ્ય જીવન વિશેના ખ્યાલો ની ઝાંખી લીધી. આ મહાયજ્ઞમાં શિક્ષણ, સ્વાસ્થ્ય, કોરોના રસીકરણ, ગ્રામ્ય જીવન જેવા વિષયોને સાંકળીને જનજાગૃતિ ફેલાવવાના કાર્યો કર્યા.

                    શામળદાસ કોલેજના લગભગ 70 ટકા વિદ્યાર્થીઓ ગામડામાંથી આવે છે. આથી બાગાયતી કૃષિ વિકાસ સંશોધન ક્ષેત્રની મુલાકાત અમારી શિબિરનો પ્રાણરૂપ હિસ્સો કહી શકાય. મુલાકાત દરમિયાન સવારે આ કેન્દ્રના સ્થાપક અને મુખ્ય સંશોધક ડૉ. વિરેન્દ્રસિંહ સાહેબે પ્રોજેક્ટર દ્વારા મણારની બંજર ભૂમિ પર આવું વિખ્યાત કેન્દ્ર કઈ રીતે ઉભુ કર્યું એની તથા કેન્દ્રની વિવિધતાના દર્શન કરાવ્યા. તે માટે "Hard work and Strong determination" પર ભાર મૂક્યો. અહીં ખેડૂતોને વિવિધ પ્રકારના પાકો તથા કાચા માલમાંથી પાકો માલ બનાવી બજારમાં નિકાસ કરવાની તાલીમ અપાય છે. ભાવુબેને ગૃહ ઉદ્યોગ અને સખીમંડળ દ્વારા સ્ત્રી સશક્તિકરણની વાત કરી. બપોર પછી વિવિધ પ્રયોગશાળા તથા સમગ્ર સંશોધન ક્ષેત્રની મુલાકાત લીધી, જેમાં વિરેન્દ્રસિંહ સાહેબે કરેલી વાતના તમામ દ્રષ્ટાંતો જોવા મળ્યા.

                  શિબિર દરમ્યાન અમે વિશ્વના સૌથી મોટા શિપ બ્રેકિંગ યાર્ડ અલંગની પણ મુલાકાત લીધી, જેમાં સૌપ્રથમ સૌપ્રથમ ટ્રેનિંગ સેન્ટરમાં યાર્ડ વિશે અને અહીંના વર્કરો વિશેની માહિતી લીધી. ત્યારબાદ વિવિધ શિપ બ્રેકિંગ પ્લોટ માં જઈને પ્રત્યક્ષ માહિતી મેળવી જે ખરેખર અદ્વિતીય છે. 



                ગ્રામ દક્ષિણામૂર્તિ લોકશાળા ની વાડીમાં વિહાર કરી પ્રકૃતિમય વાતાવરણમાં અંતાક્ષરીના ગીતો દ્વારા સંગીતના સૂરો રેલાવ્યા. વાડીમાં પાકેલા ચીકુ અને નાળિયેર પાણીની પણ મજા માણી. ખરેખર એ પ્રકૃતિમય વાતાવરણમાં વિહાર કરવાની મજા જ કંઈક અલગ હતી.

               સમગ્ર કેમ્પ દરમિયાન અમારી કોલેજના આચાર્યશ્રી ડૉ. જે. બી. ગોહિલ સાહેબે અમારી સાથે સાત દિવસ રહી, અમારા ઉત્સાહમાં વધારો કર્યો હતો. આ કેમ્પના પ્રાણરૂપ અમારા ચારેય પ્રોગ્રામ ઓફીસરશ્રીઓ, ડૉ. જનકભાઈ જોષી સાહેબ, ડૉ. એ. આર. નાયક સાહેબ, પ્રા. એસ. એમ. રાવત સાહેબ તથા ડૉ. સંગીતાબેન માહલાએ માર્ગદર્શક તરીકેની ભૂમિકા તો અદા કરી જ પણ, સાથો સાથ અમારા માતા પિતા તરીકેની ભૂમિકા પણ અદા કરી, જેને કારણે અમે ઘરથી દૂર છીએ એવું અમને જરા પણ ન લાગ્યું, અને અમને જીવનના પાઠ પણ શીખવ્યા.

               શિબિરની અંતિમ રાત્રે ભવ્ય લોકડાયરાનું આયોજન થયું હતું જેમાં બાબુભાઈ બારોટ, હર્ષાબેન બારોટ તથા અમારી જ કોલેજના અધ્યાપક શ્રી કેવલભાઈ ગોહેલ ઉપસ્થિત હતા. તેમના સંગીતના તાલે અમારી સાથે સમગ્ર વાતાવરણ પણ હિલોળે ચડયું હોય તેમ લાગતું હતું. આ દિવસે અમારા જોષી સાહેબ નો જન્મ દિવસ પણ હતો, જે અમારા માટે એક યાદગાર ક્ષણ બની ગઈ છે. સાહેબની આંખમાંથી સરતા ખુશીના આંસુએ તમામને ભાવ-વિભોર કરી દીધા હતા, કારણ તમામને એકમેક પ્રત્યે ખુબ જ લાગણી બંધાઈ ગઈ હતી.

             દરરોજ રાત્રી સત્રમાં વિદ્યાર્થીઓ દ્વારા દરરોજના કાર્ય નો અહેવાલ રજૂ કરવામાં આવતો. આ ઉપરાંત આગલા દિવસના કામની સોંપણી કરવામાં આવતી. આ સત્રમાં ગાયન-વાદન નું કાર્ય પણ થતું, જેમાં વિદ્યાર્થીઓને પોતાની કલા ખીલવવાનો એક સુવર્ણ અવસર મળતો, અને આખા દિવસનો થાક પણ ઉતરી જતો.

                  શિબિરમાં રહેવા-જમવાની વ્યવસ્થા ખૂબ જ સારી હતી. શિબિર દરમ્યાન તમામ વિદ્યાર્થીઓને "વીણેલાં મોતી" નામનું પુસ્તક, અમારી કોલેજના સમાજશાસ્ત્ર વિભાગના અધ્યક્ષશ્રી ડૉ. અનિલભાઈ વાઘેલા સાહેબે બેગ, પેન તથા કોન્ફરન્સ પેડ તેમજ દાઠાવાલા બ્રધર્સ તરફથી ટીશર્ટ નું વિતરણ કરી તમામ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. અનુદાતા શૈલબાપા તથા અમિતભાઈ પડિયા એ પણ કાર્યક્રમમાં ઉપસ્થિતિ આપી હતી.

                   2 જાન્યુઆરી, 2022, આ તારીખમાં ઝાઝા બગડા જ આવે છે. આ દિવસે અમારી ઐતિહાસિક કોલેજ નો જન્મદિવસ પણ હતો. આથી શિબિરની શરૂઆત અને કોલેજના જન્મદિવસની ઉજવણી, એવી બે ગણી ખુશીથી શરૂ થયેલી આ શિબિર અનેક ગણી ખુશી અને ખાસ વાસ્તવિકતાલક્ષી શિક્ષણ-કેળવણીથી પૂરી થઈ. શિબિર ભલે પૂરી થઈ ગઈ પણ તે દ્વારા મળેલ ખુશી અને શીખ જીવનપર્યંત યાદ રહેશે.

                     આ સાત દિવસ મારા માટે અતિ અવિસ્મરણીય છે. એનું કારણ એ છે કે મને આ કેમ્પનું નેતૃત્વ કરવાનો મોકો મળ્યો હતો., જેને મને સામૂહિક એકતા અને નેતૃત્વના પાઠ શીખવ્યા છે અને સાથોસાથ મારા જીવનને પણ ધરમૂળથી પરિવર્તન કર્યું છે. અમારા આચાર્ય શ્રી અને ચારેય પ્રોગ્રામ ઓફીસરશ્રીઓના માર્ગદર્શન અને સાથી મિત્રોના સાથથી મને નેતૃત્વ કર્યાનો ખૂબ જ આનંદ થાય છે, જેની સફળતાને યાદ કરું તો મન ગદગદિત થઈ જાય છે.

                     ખરેખર, આ સાત દિવસીય શિબિરે અમારા સૌના જીવનમાં મેઘ ધનુષ્ય ની જેમ સાત રંગો પુર્યા છે, એ દિવસો અમારા સૌ માટે અવિસ્મરણિય બની ચૂક્યા છે.

By Trushali Shantibhai Dodiya

Semester 6

Main subject: English

Date:- 27  January, 2022

              This blog was written on my another blog account but I am Publishing it again in new account as a part of recollection of old but golden memories. Click here to visit previous blog on the same camp.

Thanks for visiting...



No comments:

Post a Comment

Classroom Activities: Business Card Introduction & Message Relay

A Memorable Start to Semester 2! 🌟 Yesterday and Today were truly special as I organized two engaging activities for my B.Com Semester 2 st...