મોરપિચ્છ - વિનોદ જોશી
This blog features a letter I wrote to the respected Dr. Vinod Joshi sir, offering my reflections on his epistolary novel Morpichchh."
૧૪/૦૬/૨૦૨૪
પ્રિય/ આદરનીય વિનોદ જોશી સાહેબ,(સંબોધન શું લખું તે ન સમજાયું એટલે બંને લખું છું)
કાલે સાંજે ‘મોરપિચ્છ’નું વાંચન પૂરું કર્યું. ‘મોરપિચ્છ’ પત્રનવલ હોવાથી વિચાર્યું કે પ્રતિભાવ પણ પત્ર દ્વારા જ લખું. આમ તો મે ક્યારેય કોઈ પત્રો લખ્યા નથી, સિવાય કે ઉત્તરવહીમાં. કોઈ પણ વાત હોય તો આસાનીથી WhatsApp, ટેલિગ્રામ ચેટ માં કે ફોન દ્વારા થઈ જાય. વળી ગુજરાતીમાં જ પત્ર લખવાનો નિર્ણય કર્યો છે. આશા છે પ્રથમ પ્રયત્ન સારો તો નહીં પણ ઠીક ઠીક બને.
આ પુસ્તક વાંચવાની શરૂઆત મે ઘણા સમય પૂર્વે કરેલ. પરંતુ વચ્ચે એમ. એ. ની પરીક્ષા, ઘણા બધા કાર્યક્રમો અને અન્ય કાર્યો હોવાથી આગળ વાંચવાનું શક્ય ન બન્યું અને અડધેથી વાંચવાનું છોડી દીધેલ. હાલમાં પણ હું નેટ પરીક્ષાની તૈયારીમાં પરોવાયેલ રહું છું. ૧૮ તારીખે પરીક્ષા છે. ૧૩ તારીખે અચાનક જ ‘મોરપિચ્છ’ હાથમાં લીધી ને વાંચવાનું શરૂ કર્યું. આમ તો કોઈ પણ પુસ્તક વાંચવા બેસું તો ભાગ્યે જ છેલ્લા પાનાં પર નજર જાય, પણ ખબર નહીં તે દિવસે થોડું વાંચ્યા પછી છેલ્લા પાનાં પર મારી નજર ગઈ. લખ્યું છે, ‘લિ. અનન્યા, જે હવે રહી નથી.’ આ વાંચી હું થોડી મુંજાય ગયેલી. મને ખબર ન હતી કે આ એક વાક્ય મને સતત જકડી રાખશે. સાચું કહું તો અનન્યા અને અપૂર્વ વચ્ચે પત્રવ્યવહાર દ્વારા થતો વાર્તાલાપ અને ભાવોનું આદાન-પ્રદાન શરૂઆતમાં એકસૂરીલું પણ લાગ્યું. કદાચ એટલે જ લાંબા સમય સુધી બૂક વાંચવા ન લીધી. આશ્ચર્યની વાત એ કે એ પછી માત્ર દોઢ દિવસમાં જ ‘મોરપિચ્છ’નું વાંચન પૂરું થયું. વચ્ચે કઈ કરવામાં પણ ચિત્ત ન પરોવાયું
‘મોરપિચ્છ’નું છેલ્લું પાનું વાંચી બૂક હાથમાં લઈને હું બેસી. વાંચતાં વાંચતાં આંખો ભીની થઈ ગયેલી. આકાશમાં જેવા કાળા ડિબાંગ વાદળોએ કબજો કર્યો, તરત જ લાઇટ જતી રહી. મમ્મી, બહેન અને ભાઈ ગરમીથી ત્રસ્ત થઈ ઓસરીમાં બેઠા. હું ઓસરીના એક ખૂણામાં ખાટલા પર બેસી હતી. હાથમાં પુસ્તક અને આંખો ભીની. તેમની હાજરીના લીધે રડી પણ ન શકાયું. હ્રદયમાં અકળામણ થવાથી મે જટ કરી ડેલો ખોલ્યો. હમણાં જ નવું એક્સૈસ ખરીદ્યું. ચલાવતા આવડી ગયું છે પણ ડ્રાઇવિંગ ટેસ્ટ બાકી છે એટલે તેને પણ મારી સાથે ડેલ બહાર કાઢ્યું. લાયસન્સ માટેની ડ્રાઇવિંગ ટેસ્ટ ૨૯ તારીખે છે એટલે રોજ થોડી પ્રૅક્ટિસ કરવી પડે અને આંઠડો ઘૂંટતા શીખવું પડે. અમારી શેરી એવડી પહોળી કે બે ટ્રક એકસાથે પસાર થઈ શકે એટલે સરસ પ્રૅક્ટિસ થઈ જાય છે. મંદ મંદ પવનની લહેરખી સાથે વરસાદના પહેલા વહેલા વધામણાં થવાના એંધાણ હતા. બહાર પણ ચિત્ત ન પરોવાયું એટલે ઘરે આવીને આપને પત્ર લખવાનું શરૂ કર્યું. ધોધમાર વરસાદ તૂટી પડ્યો. પ્રણાલી અને ધ્રુવી દોડતા દોડતા મારા ઘરે આવ્યા અને કહે ચાલો દીદી વરસાદમાં નહાવા. અમે બધા વરસાદમાં ખૂબ રમ્યા( રમ્યા જ કહીશ કારણ કે ખૂબ ધીંગામસ્તી કરી. આખી શેરી માથે લીધી હતી.) પણ મન હજુ ઘણા વિચારોમાં પરવાયેલું હતું.
કાલે મને પ્રણાલી કહે, “દીદી મારા પગ તમારા પગ જેવડા થશે ને ત્યારે મને તમારા ચપ્પલ થઈ રહશે”. રિદ્ધિ એ હસીને કહ્યું, “તારા પગ બહુ સરસ છે, દીદી જેવડા થશે ત્યારે તને થશે કે હવે પહેલા જેવા નાના પગ થઈ જાય તો કેવું સારું!” આ પત્રનવલમાં આવા અનેક સાહજિક પ્રશ્નો છે. જ્યારે મે આ પુસ્તક વાંચવાની શરૂઆત કરી હતી ત્યારે જ મે આપને કહ્યું હતું કે કદાચ આ પુસ્તક વાંચ્યા પછી મને ઘણા સવાલોના જવાબ મળી જશે. પરંતુ થયું એવું કે હવે અનેક નવા સવાલો થવા લાગ્યા છે.
આ પત્રનવલમાં પ્રણયનું આલેખન છે. પ્રેમ શું કહેવાય એ કદાચ મને ખબર નથી. ક્યારેય એવું કઈ વિશેષ અનુભવ્યું જ નથી. હા, પરિવાર સાથે પ્રેમની વિશુદ્ધ એવી લાગણી જોડાયેલ હોય છે. એટલે જ કદાચ હું પોતાને અનન્યા કે અપૂર્વની જગ્યાએ મૂકીને વિચારું છું, આવો સ્નેહ બે વ્યક્તિઓ વચ્ચે હોય ખરો? અને હોય તો પણ એ કેટલો સમય ટકી રહે. થોડા દિવસ પહેલા જ મારી ખૂબ નજીક એવા એક વ્યક્તિએ પોતાનો અને જીવનસાથીનો ફોટો સોશિયલ મીડિયા પર મૂક્યો. મે મેસેજ કર્યો ‘યૂ બોથ આર લૂકિંગ સો પ્રિટી ’. એમણે હસતું ઇમોજી મોકલ્યું. મે કહયું, ‘કેમ હસો છો?’ તો કહે, ‘તારા લગ્નના ત્રીસ વર્ષ થશે ત્યારે તને પણ આમ જ હસવું આવશે.’ મને આશ્ચર્ય થયું. મે કહ્યું, ‘યોર’સ ઇસ લવ મેરેજ રાઇટ?’ તો કહે, ‘હા, પણ એતો વખતની વાત હોય. હવે મેરેજ રહી ગયા, લવ ઊડી ગયો.’ મને હસવું આવ્યું. મે પૂછ્યું, ‘તો પ્રેમ કરાય કે નહીં?’. એ કહે ‘હા, પણ ટકશે એની આશા ન રખાય.’ મે હસીને લખ્યું ‘ટકાઉ પ્રેમ’. મને કહે, ‘ધેટ ઇસ ઓકજીમોરોન’. એ વખતે મને થયું કે શું પ્રેમ ટકાઉ ન હોય? અનન્યા અને અપૂર્વ વચ્ચે તો ગાઢ પ્રેમ છે. જો આ પત્રનવલ આનાથી આગળના જીવન વિષે પણ લખાઈ હોત તો શું બંને વચ્ચેના પ્રેમમાં ઓટ આવી જાત? અનન્યા છેલ્લા પત્રમાં અપૂર્વને લખે છે, ‘તમે બંને અહી પહોંચો ત્યાં સુધી જો હું ટકી રહેવાની હોત તો મારા હાથે જ મે તને લીઝાને સોંપી દીધો હોત... .. લીઝાને કહેજે કે મારી છેલ્લી ઈચ્છા પૂરી કરે.’ હજુ બે-ચાર પત્રો પહેલા એકબીજા સાથે વૃદ્ધ થવાના શમણાં સેવતી હતી અને હવે એ પોતાના અપૂર્વને લીઝાને સોંપવાની તૈયારી બતાવે છે. જીવનની આખરી ક્ષણો કેટલી દુઃખદાયક હોય છે?
હમણાં જ હું, મારા મમ્મી, અને બહેન જૂની વાતો લઈ બેસેલા. વાતમાંથી વાત નીકળતા મને થયેલ મુત્યુના સાક્ષાત્કારની વાત આવી. હું લગભગ સાતમાં ધોરણમાં હોઈશ જ્યારે મને જીવલેણ આંચકી આવેલ. મહુવાની તમામ અસ્પતાલોમાં હું બે કલાકની મહેમાન છું એવું કહી મારા અંતિમ સંસ્કારની તૈયારી કરવાનું સૂચવેલ. બધા કુટુંબીજનોને પણ આ બાબતે જાણ કરી દેવામાં આવી હતી. ડોક્ટરોએ સાથે એ પણ સૂચવેલું કે મારી પાસે માત્ર બે કલાકનું જીવન છે. જો આ સમયગાળામાં મને ભાવનગર પહોંચાડી દેવામાં આવે તો કદાચ મને જીવનદાન મળે. એ સમયે મમ્મી અને પપ્પા મુન્જાઈ ગયેલા. એક તો રવિવાર અને જળજીલી અગિયારસ. રાત્રિના બે વાગેલા. જેમતેમ કરીને પપ્પા અને ઘરના લોકોએ એમ્બ્યુલન્સનો મેળ કર્યો. પણ બે કલાકમાં મહુવાથી ભાવનગર કોઈ પણ સંજોગોમાં પહોંચી શકાય નહીં એ મુંજવણ હતી. બધાએ આશા છોડી દીધી હતી. પણ કદાચ મારે આ દુનિયા સાથેની લેણાદેણી બાકી હશે એટલે બે ની જગ્યાએ ઈશ્વરે ચાર કલાકનું આયુષ્ય આપી દીધું અને મને ભાવનગરની સર ટી. હોસ્પિટલ માં દાખલ કરી. ત્રણ દિવસે ભાનમાં આવી. ભાવનગરથી જ્યારે પાછી ઘરે આવી ત્યારે બધા મને કહેતા, જો તને કઈ થાત તો તારા મમ્મીને બહુ આઘાત લાગત. લાગે જ ને હું આખું ઘર માથે લઈને ફરતી. અને આમ પણ પોતાનું સંતાન મૃત્યુ પામે તો માં-બાપને તો આઘાત લાગે જ ને! વાત અહી એ છે જો હું ત્યારે મૃત્યુ પામી હોત તો શું ફરક પડત? કદાચ થોડો સમય બધાને યાદ આવત, થોડા દિવસ બધા આંસુ સારત અને પછી હું ભુલાઈ ગઈ હોત. તૃષાલિનું અસ્તિત્વ જ ન હોત. તમને પણ મળી ન હોત.
વાત અહી એ છે શું અપૂર્વ અનન્યાને ભૂલી જશે? અને ભૂલી ન જાય તો પણ જે રીતે એણે અનન્યાને ચાહી તે રીતે લીઝાને ચાહી શકે ખરો? જો હા, તો અનન્યાનું અસ્તિત્વ એના માતાપિતા સિવાય કોઈને ન સાંભરે એમ બને. અને જો અપૂર્વ અનન્યા ની અંતિમ ઈચ્છા પૂરી કરી લીઝાને અપનાવે અને લીઝાને તે રીતે ચાહી ન શકે તો એ લીઝા સાથે અન્યાય થયો ન કહેવાય? આવા તો અનેક પ્રશ્નો છે.
આ પત્રનવલ વાંચવામાં ખૂબ જ રસ પડ્યો. પત્રની શરૂઆતમાં કહ્યું તેમ, અધવચ્ચે મોનિટોનસ ફીલિંગ આવી. પણ પછી સમજાયું કે એ વાતો નવલકથાને નવી ગહેરાઈ આપે છે. અનન્યા સાહિત્યની વિધ્યાર્થીની છે અને એના દ્વારા લખાયેલ પત્રોમાં વપરાયેલ સાહિત્યકૃતિના વિવિધ ઉદાહરણો એ સ્પષ્ટ કરે કે પોતે તેમ ઊંડી ઊતરેલ છે. હું પણ સાહિત્યની વિધ્યાર્થીની છું એટલે થયું કે જો હું કઈક લખતી હોવ તો આવા ઉદાહરણો મારા લેખનમાં પણ અવવા જોઈએ. અપૂર્વ વનસ્પતિશાસ્ત્રનો વિધ્યાર્થી છે. બંને પોતપોતાનાં ક્ષેત્રમાં નિપુણ છે તેવું તરત જ સમજાય જાય છે. ક્યાંય પણ અતિશયોક્તિ થતી નથી. વળી બંને એકબીજાના ક્ષેત્રની ચર્ચામાં રસ દાખવે છે. થોડા સમય પહેલા હું અને બહેન લગ્ન વિષે વાતો કરતાં હતા કે કેવું સારું થાય જો એવી વ્યક્તિ જીવનમાં મળે જે આપણાં કામને પણ સમજી શકે-જાણવાનો પ્રયત્ન કરે!(અહી હું ઘરકામની વાત નથી કરતી).
વાંચતી વખતે ઘણી વખત આપના લેકચરમાં બેસી હોય એવું લાગતું. આમાના ઘણા બધા ઉદાહરણો આપે ઇંડિયન પોએટિક્સના વર્ગોમાં કહેલાં. આથી વાંચતી વખતે કઈક સાંભળેલું એવું લાગતું.
હવે અહી વધુ નહીં લંબાવું. આ પત્રમાં ભાષાની, વ્યાકરણની, એવી ઘણી ભૂલો હશે. તે માટે પહેલેથી આપ ભાષાવિદની માફી ચાહું છું.
આમતો મેસેજમાં વાત થાય જ છે, પણ હવે જલ્દી આપની સાથે મુલાકાત થશે ત્યારે વિસ્તારથી પ્રશ્નો કરીશ.
લિ.
આપની તૃષાલિ
No comments:
Post a Comment